મુંબઈ : મહારાષ્ટ્રના (Maharashtra) કેબિનેટ મંત્રી નવાબ મલિકના ( Nawab Malik)જમાઈ સમીર ખાનની ડ્ર્ગ્સ કેસમાં (Drugs Case)નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ (Narcotics Control Bureau)બુધવારે ધરપકડ કરી છે. સમીર ખાન દક્ષિણ મુંબઈના બલાર્ડ એસ્ટેટ સ્થિત એનસીબીના કાર્યાલય પહોંચ્યા હતા જ્યાં વિસ્તૃત પૂછપરછ પછી ધરપકડ કરવામાં આવી છે.
આ પૂછપરછને લઈને એનસીબીના રીજનલ ડાયરેક્ટર અનિલ જૈને કહ્યું હતું કે સમીર ખાનને આજે કરણ સજનાનીના ફોલોઅપ કેસમાં બોલાવાયો હતો. કરણ સજનાની પાસે વધારે માત્રામાં ગાંજો મળ્યો હતો જે પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ માટે સમીર ખાનને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો.
અનિલ જૈને જણાવ્યું કે અમે સમીર ખાનને પૂછપરછ માટે બોલાવ્યો હતો. અમારી ટીમ તેની પૂછપરછ કરી રહી છે. અમે થોડા દિવસ પહેલા કરણ સજનાની નામના ડ્રગ પેડલરની ધરપકડ કરી હતી. તેની પૂછપરછ દરમિયાન સમીરનું નામ સામે આવ્યું હતું.
ડ્રગ્સ કેસમાં એક આરોપી અને તેના વચ્ચે 20,000 રૂપિયાની કથિત ઓનલાઇન લેનદેણનો મામલો સામે આવ્યા પછી એજન્સીએ તેને બોલાવ્યો હતો. આ કેસમાં બ્રિટિશ નાગરિક કરણ સજનાની અને અન્ય બે વ્યક્તિને ગત સપ્તાહે 200 કિલોગ્રામ માદક પદાર્થો સાથે ધરપકડ કરી હતી.